ગુજરાત ગૌરવ દિવસનો અહેવાલ -તરુલતાબેન મહેતા

જેની અમે ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી ‘

સૌને ગુજરાત ગૌરવ દિનની હાર્દિક શુભેચ્છા !

            
 બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા યુ.એસ.એ.દ્રારા  11મી મે 2019ને શનિવારે  ‘ગુજરાત ગૌરવ દિવસ ‘  ની  અનેરી ઉજવણી થઈ.આ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન અને આયોજન ‘બેઠક ‘દ્રારા ‘થયુ હતું .’બેઠક ‘ એટલે ગુજરાતની સઁસ્કૃતિ અને ગુજરાતી ભાષાને પ્રાણ પૂરી સંવર્ધનના સતત  પ્રયત્નો કરતી સંસ્થા ,જેના સઁચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળા તથા તેમને સહાયક  કાર્યકરો રાજેશભાઈ , કલ્પનાબેન રધુ તથા નિસ્વાર્થભાવી સ્વંયસેવકોના  અથાક  પ્રયત્નોથી ‘ગુજરાત ગૌરવ દિનની ‘ યાદગાર ઉજવણી થઈ .  સૌને સલામ !
                  ગુજરાત ગૌરવ દિનનો ઉત્સવ ઉજવવા એકત્ર થયેલા  ગુજરાતીઓ કર્મભૂમિ અમેરિકામાં વસવાટ કર્યા છતાં માતૃભૂમિના ઋણને અંતરથી વીસર્યા નથી. સૌ ગુજરાતીઓ ઉમંગથી બે એરિયાના આઈ.સી.સી .કેન્દ્ર મીલ્પીટાસમાં 11મી મેં શનિવારે સવારે  સમયસર આવી ગયા હતા . પરદેશી ભૂમિને પોતાની માની પુષ્પોથી મહેકાવી અને મીઠાં ફળોનું દાન કરતા ગુજરાતીઓ  માના પ્રેમનું ગૌરવ વધારી રહ્યા છે .
  લો,  જુઓ આ રૂડો માહૌલ !  ગુજરાતણનો ગુજરાતી સાડીનો ઠસ્સો અને ખમીરવંતી છાતીવાળા પુરુષો ઝભ્ભો પેન્ટ અને બન્ડીમાં શોભતા  પ્રેક્ષકગૃહની અંદર બહાર ચહલપહલ કરી રહ્યા હતા. .સ્વયંસેવકોએ મહેમાનોને  હસીને આવકારો  આપ્યો . માતૃભાષા ગુજરાતીના મીઠા ટહૂકાનો આનન્દ  સૌની વાતચીતમાં છલકાતો  હતો . મિત્રો,સ્વજનોનું આ સ્નેહ સંમેલન અદ્ભૂત કહેવાય! નદીની રેતમાં રમતા પોતાના નગર કે ગામને પાદરે આવ્યાની ‘હાશ ‘ અનુભવતા   સૌ આજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉત્સુક હતા.  છેલ્લાં તેર વર્ષથી ગુજરાત દિનની ઉજવણીના   વિવિધ કાર્યક્રમો ગુજરાતીઓ રંગતથી માણે છે.
ખાસ મહેમાનઃ Karina R. Dominguez, Vice Mayor,Smt. Sumati Saksena Rao, Consul(Community Affairs, Information & Culture)

સવારે 9થી 12 વાગ્યા સુધીના મનોરંજન અને બે એરિયાના મહત્વના વ્યક્તિઓની માહિતીથી સભર ગુજરાત ગૌરવ દિનનું સોવિનયર હાથમાં લઈ સો વિશાળ પ્રેક્ષાગારમાં પડદો ખૂલવાની પ્રતીક્ષા કરતા હતા.આ સોવિનયર કલ્પનાબેન અને રઘુભાઈ ની મહેનત થી તૈયાર થયું   ગુજરાત દિનની  પત્રિકા કે સોવિનયરરૂપી સંભારણું આવતા વર્ષ પર્યન્ત ગુજરાતી વાચનના રસિયા મમળાવતા રહેશે. સૌ ગુજરાતીઓને સ્વ સમાજ વિષે જાણવાની જિજ્ઞાસા તો હોય ને! તેમજ બધાના ફોટા રઘુભાઈ શાહ એ પાડી આખા સમાંરમને તસ્વીરમાં કાયમ માટે યાદગાર બનાવી દીધો.

વિશાળ હોલમાં એકેય ખુરશી ખાલી નહોતી , છેલછબીલા ગુજરાતીથી હોલ ભરચક હતો.બીજા કેટલાક રસિયા કાર્યક્રમ નિહાળવાની તાલાવેલીમાં પાછળ ઊભા હતા.આ સર્વ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ‘બેઠક ‘ ના સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાની સાથે હારોહાર સહકાર આપતા કલ્પનાબેન રધુ ,રાજેશભાઈ તથા યુવાન અને સિનયર સૌ કાર્યકર્તાઓ ,સ્વંયસેવકો ત્વરાથી દોડીને સર્વ વ્યવસ્થા કરતાં જોઈ સોનું મન ગુજરાત પ્રત્યેના પ્રેમથી ભીંજાતું હતું. તેમાં  મોટી સંખ્યાની ગુજરાતીઓની હાજરી  સૌને ઉત્સાહ આપતી હતી.
               કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ને ‘ સરસ્વતી વંદના’થી માધવીબેન અને અસીમભાઇ મહેતાના એમની ગેરહાજરીમાં પણ  મધુર સૂરો ગુંજી રહ્યા. ગુજરાતી સાડીમાં શોભતા ‘બેઠક ‘ના સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુલ્લાદિલથી હસી મહેમાનોને આવકાર્યા . આ કાર્યક્રમને  બળ આપનાર સુરેશભાઈ પટેલ  સ્ટેજ પર આવ્યા. ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓને તન ,મન અને ધન-સંપત્તિથી હંમેશા સહકાર અને મદદ આપતા સુરેશભાઈ પટેલે   (મામા) સંબોધનના શબ્દોથી સૌના દિલ જીતી લીધા. તેમની સેવાથી પરિચિત સૌએ તાળીઓથી વધાવ્યા,
   
008
મનોરંજન કાર્યક્રમ અનેક સંસ્થાઓ તથા ગ્રુપના સહકારથી થયો હતો.. પ્રથમ  શરૂઆત સમૂહપ્રાર્થનાથી થઈ.સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા — ભૂમિ રાવલ, ભાર્ગવ રાવલના નેતૃત્વ હેઠળ ગ્રુપમાં પ્રાર્થના પ્રસ્તુત કરી નાનામોટા સૌએ સૂરમાં ભાવપૂર્ણ પ્રાર્થના ગીત ગાયું ,કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાબેન દરેક સંસ્થાના કલાકારોના નામ બોલી ઓળખ આપી. સરગમ ગ્રુપે ગુજરાતનું ગૌરવ ગાથા પ્રસ્તુત કરતુ કવિ નર્મદનું ગીત પ્રસ્તુત કરી આજના ગૌરવ દિવસમાં ઉત્સાહ વધાર્યો, બે એરીયા વૈષ્ણવ પરિવાર માં સરગમ સંગીત ગુપ ચાર વષઁ થી સંગીત ની સેવા આપે છે. શશિકાંત વ્યાસના ના માગદશઁન હેઠળ પલક  વ્યાસ  ગાયકી, આશિષ વ્યાસ તબલા અને શિવમ વ્યાસ હામોનિયમ સંગત સાથે સંગીત શિખવાડે છે. તો શારદા સ્કૂલ ઓફ સંગીતના સુરમય ગીતોથી સૌના મન ડોલી ઊઠ્યા.આણલ અંજારિયા અને અચલ અંજારિયા નવીનતા સભર સંગીત લઈને આવ્યા છે.ગુજરાતી સંગીત ને નવા રંગ રૂપે માણવાની પણ એક મજા છે.આણલ બાળકોને સંગીત શીખડાવે આણલ અંજારિયા, સંગીત શિક્ષા વિશારદ છે.તેમના માર્ગદર્શન હેઠળ બાળકોએ ખુબ સુંદર રજૂઆત કરી ગુજરાતી ભાષા નવી પેઢીના હાથમાં સુરક્ષિત છે તે પુરવાર થયું.
ગરબા વગર ગુજરાતી  અધુરો છે.ગુજરાત ગૌરવ દિવસ એટલે ગુજરાતની અસ્મિતાને ઉજવવાનો દિવસ હીનાબેન અને રીનાબેન દેસાઈએ તેમના સહિયર ડાન્સ ટ્રુપ સાથે ગરબા અને રાસની રમઝટ બોલાવી, રીનાબેનની આ સંસ્થા દ્વારા ગુજરાતની કળા અને સંસ્કૃતિના વારસાને ફેલાવી વાઇબ્રન્ટ ગુજરાતી સંસ્કૃતિને  ગતિમય રાખે છે.
સૌથી ઉત્સાહભરી રજૂઆત તો ટ્રાય વેલી સિનયોર ગ્રૂપના સિનિયરોની રહી, એક હાસ્ય સભર ગુજરાતી કવ્વાલી રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું .સીનયરના મુખે ગવાતી કવાલીના શબ્દો ‘અમે  આશિક રે ‘થી પ્રેક્ષકો રસમાં તરબોળ થઈ કાર્યક્રમને માણતા હતા.ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરીજે બધું જાણે વણ માગ્યા મહેમાનની જેમ આવે છે. પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારતા આપણા સિનિયરો પોતાના જીવનને સંગીત દ્વારા લીલું છમ રાખ્યું .આ કવાલ્લીના રચયિતા છે,મેઘલતાબેન મહેતા
          ત્યારબાદ વાર્ષિક સન્માન અને પુરસ્કાર માટે માનવંતા મહેમાનો સ્ટેજ પર  આવ્યાં . મુ.સુરેશભાઈ પટેલ અને મુ.શાન્તાબેન પટેલને હસ્તે નામાંકિત સિદ્ધિ હાંસલ કરનારા સૌને ઍવોડઁ આપવામાં આવ્યા. વાઇસ મેયર કરીના ડૉમિનગેઝ અને શ્રીમતી સુમતિ સક્સેના રાવ (કન્સલ્ટન્ટ કોમ્યુનિટી ઑફ એફેર ઈન્ફોરમેસન અને ક્લચર)આ કાર્યક્રમમાં પધારી ગુજરાતી સમાજને પ્રોત્સાહન આપ્યું.શ્રી નઁદશઁકર શાસ્ત્રીનો ,શ્રી રમેશભાઈપટેલ શ્રી અને શ્રી મતિ બનઝારાનો   શ્રી નેમિષ અનારકટનો સુપેરે પરિચય કલ્પનાબેન રધુ તથા રાજેશભાઈ શાહ દ્રારા અપાયો.
              સૌ આતુરતાપૂર્વક  રાહ કોની  જોતા હતા? નાટકની  . રંગમંચ પર પ્રસ્તુત થયું  ગુજરાતી નાટક ‘અમે દેશી એન.આર.આઈ ‘.  રંગભૂમિનો પડદો સરરર કરતો ખૂલી ગયો ને પ્રેક્ષકો તાનમાં મચલી ઉઠ્યા.વાહ શું સ્ટેજની સજાવટ ! પૂજા કરતી ગૃહિણી શ્લોકોથી
વંદના કરતી ફરતી દેખાઈ .જીવી અને નટુ  દીકરાના લગ્ન માટે આકાશ-પાતાળ ને બદલે પૂર્વ ને પશ્ચિમને એક કરતા  સર્વે કન્યાની શોધ કરી રહ્યા છે.અમેરિકન  સીટીઝન દીકરો લગ્નની વાતથી ભડકે છે.પણ મોમની લાગણીને ખાતર છેવટે દાદીમાની વાત માની કન્યાને જોવા તૈયાર થાય છે.પૌત્રના લગ્ન માટે અમેરિકાના વીઝા માટે  કૉન્સોલન્ટમાં   પહોંચેલા આનંદીબા અને વેવાઈનું દશ્ય એટલે હાસ્યની લ્હાણી સાથે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ. હાસ્યપ્રધાન નાટકનો ગુજરાતીઓના ગૌરવનો સંદેશ પ્રંશસનીય છે.નાટકના દરેક દ્રસ્યો હાસ્યથી ભરપૂર છે.સંવાદો દિવસો સુધી લોકો યાદ કરી હસે તેવા.
 ‘બેઠક રંગમંચનાં સર્વ કલાકારોએ  શરદભાઈ દાદભાવાળા ,જીગીષા પટેલ ,અંબરીશ દામાણી ,પારૂલ દામાણી ,પ્રજ્ઞા દાદભાવાળા ,યતીન ત્રિવેદી, મૌનીક ધારિયા,નરેન્દ્ર શાહે  પાત્રને અનુસાર ઉત્તમ અભિનય કરી નાટકને અથ થી ઇતિ રસપ્રદ બનાવ્યું છે.અભિનેતા અને અભિનેત્રીઓએ પાત્રોને જીવંત કર્યા છે.મૌનીક ધારિયા પ્રથમવારના દિગદર્શક તરીકે સફળ રહ્યા .હર્ષા ત્રિવેદીએ મંચ સુંદર સજાવ્યો.  નાટકના લેખિકા અને આર્ટ દિગદર્શક અને કલાકાર પ્રજ્ઞાબેન દાદભાવાળાને અભિનન્દન। એમના આનંદીબાના પાત્રને ‘દુબારા કહેવાનું મન થાય તેવું નાટક હતું પણ સમયની ઘન્ટડી વાગી .
       રાજેશભાઈ શાહે આભારવિધિ કરી.રેણુબેન અને રાજેન્દ્રભાઇ વખારિયાના સૌજન્યથી લોબીમાં લન્ચ-બોક્સનું વિતરણ થયું. પૂરી અને શ્રીંખન્ડના આસ્વાદમાં ભળ્યો હતો નાટકનો રસ.આવનાર ગુજરાત ગૌરવ દિનની ચાતકની જેમ રસિયા ગુજરાતીઓ પ્રતીક્ષા કરશે. સૌને ખૂબ અભિનન્દન અને શુભકામના!
જય જય ગરવી ગુજરાત સદા ઝળહળતી રહે જ્યોત  !!!
તરૂલતા મહેતા 2019 ગુજરાત દિન 
(પ્રારંભની વિનોદ જોશીની પઁક્તિ ફેરફાર સાથે છે)

Leave a comment